Zaverchand Meghani Lokgit / ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત તથા સંપાદિત લોકગીતો

 



આષાઢી સાંજનાં અંબર ગાજે


     અંબર ગાજે, મેઘાડંબર ગાજે! – આષાઢી.

માતેલા મોરલાના ટૌકા બોલે

     ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે. – આષાઢી..

ગરવા ગોવાળિયાના પાવા વાગે

     પાવા વાગે, સૂતી ગોપી જાગે. – આષાઢી..

વીરાની વાડીઓમાં અમૃત રેલે,

     અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે. – આષાઢી..

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,

     ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે. – આષાઢી..

આષાઢી સાંજનાં અંબર ગાજે 

     અંબર ગાજે મેઘાડંબર ગાજે!


- ઝવેરચંદ મેઘાણી




લાગ્યો કસુંબીનો રંગ –


લાગ્યો કસુંબીનો રંગ –

     રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!


જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતા

     પીધો કસુંબીનો રંગ;


ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ

     પામ્યો કસુંબીનો રંગ. – રાજ..


બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં

     ઘોળ્યો કસુંબીનો રંગ;


ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ

     ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..


દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં

     ભભક્યો કસુંબીનો રંગ;


સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં

     મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..


ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર

     ચાખ્યો કસુંબીનો રંગ;


વહાલી દિલદારાના પગની મેંદી પરથી

     ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજ..


નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓ

     ગાયો કસુંબીનો રંગ;


મુક્તિને ક્યારેનિજ રક્તો રેડણહાર

     પાયો કસુંબીનો રંગ. – રાજ..


પીડિતની આંસુડાધારે-હાહાકારે

     રેલ્યો કસુંબીનો રંગ;


શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે

     સળગ્યો કસુંબીનો રંગ. – રાજ..


ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે

     છલકાયો કસુંબીનો રંગ;


બિસ્મિલ બેટાઓની માતાને ભાલે

    મલકાયો કસુંબીનો રંગ. – રાજ.


ઘોળી ઘોળી પ્યાલા ભરિયા: રંગીલાં હો!

     પીજો કસુંબીનો રંગ;


દોરંગાં દેખીને ડરિયાં: ટેકીલાં હો!

     લેજો કસુંબીનો રંગ! – રાજ..


રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –

     લાગ્યો કસુંબીનો રંગ.


- ઝવેરચંદ મેઘાણી



છેલ્લો કટોરો..


છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ!

     સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!


અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું:

     ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:


શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું:

     આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ!


કાપે ભલે ગર્દન! રિપુ-મન માપવું, બાપુ!

     સુર-અસુરના આ નવયુગી ઉદધિ-વલોણે,

શી છે ગતાગમ રત્નના કામી જનોને?

     તું વિના, શંભુ! કોણ પીશે ઝેર દોણે!


હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ!

     ઓ સૌમ્ય-રૌદ્ર! કરાલ-કોમલ! જાઓ રે, બાપુ


કહેશે જગત: જોગી તણા શું જોગ ખૂટ્યા?

     દરિયા ગયા શોષાઈ? શું ઘન-નીર ખૂટ્યાં?


શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં?

     દેખી અમારાં દુ:ખ નવ અટકી જજો, બાપુ!


સહિયું ઘણું, સહીશું વધુ: નવ થડકજો, બાપુ!


     ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,

જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,

     થોડાઘણા છંટકાવ ગોળીબારના –


એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ!

ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ!


શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો–ન લાવો!

બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો!

રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ!

દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ!

હમદર્દીના સંદેશડા દઈ આવજો, બાપુ!


જગ મારશે મે’ણાં: ન આવ્યો આત્મજ્ઞાની!

ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની!

જગપ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી!

આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ!

તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ!


જા, બાપ! માતા આખલાને નાથવાને,

જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,

જા સાત સાગર પાર સેતુ બાંધવાને –


ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ!

વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!

ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!

છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!


- ઝવેરચંદ મેઘાણી





રાજાના કુંવર!


ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર!

હાલો ને જોવા જાયેં રે

મોરલી વાગી રે, રાજાના કુંવર.


ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,

પીતળિયા પલાણ રે. – મોરલી..


બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,

દસેય આંગળીએ વેઢ રે. – મોરલી..


માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,

 કિનખાબી સુરવાળ રે. – મોરલી


પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,

ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી


સંપાદન - ઝવેરચંદ મેઘાણી



ચારણ-કન્યા


સાવજ ગરજે!


વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોદ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે!


ક્યાં ક્યાં ગરજે?

બાવળનાં જાળાંમાં ગરજે

ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ગિરિઓની ગોહરમાં ગરજે

ઊગમણો આથમણો ગરજે

ઓરો ને આઘેરો ગરજે



થર થર કાંપે!


વાડામાં વાછડલાં કાંપે

કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે

ઝાડ તણાં પાંદડલાં કાંપે

પહાડોના પથ્થર પણ કાંપે

સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને જાગંતાં કાંપે

જડ ને ચેતન સૌએ કાંપે



આંખ ઝબૂકે!


કેવી એની આંખ ઝબૂકે!

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઊગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઊભું મોત ઝબૂકે




જડબાં ફાડે!


ડુંગર જાણે ડાચાં ફાડે!

જોગી જાણે ગુફા ઉઘાડે!

જમરાજાનું દ્વાર ઉઘાડે!

પૃથ્વીનું પાતાળ ઉઘાડે!

બરછી સરખા દાંત બતાવે

લસ! લસ! કરતી જીભ ઝુલાવે.



બ્હાદર ઊઠે!


બડકંદાર બિરાદર ઊઠે

ફરસી લેતો ચારણ ઊઠે

ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે

ઘર ઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે

સોટો લઈ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે

દૂધમલા ગોવાળો ઊઠે

મૂછે વળ દેનારા ઊઠે

ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે

જાણે આભ મિનારા ઊઠે



ઊભો રે’જે!


ત્રાડ પડી કે ઊભો રે’જે!

ગીરના કુત્તા ઊભો રે’જે!

કાયર દુત્તા ઊભો રે’જે!

પેટભરા! તું ઊભો રે’જે!

ભૂખમરા! તું ઊભો રે’જે!

ચોર-લૂંટારા ઊભો રે’જે!

ગા-ગોઝારા ઊભો રે’જે!




ચારણ-કન્યા!


ચૌદ વરસની ચારણ-કન્યા

ચૂંદડિયાળી ચારણ-કન્યા

શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા

લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડંતી ચારણ-કન્યા

પહાડ ઘુમંતી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ-કન્યા

આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા

જગદમ્બા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા

ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા

પાછળ દોડી ચારણ-કન્યા



ભયથી ભાગ્યો!


સિંહણ, તારો ભડવીર ભાગ્યો

રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો

હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો

મોટો વીર મુછાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો!


- ઝવેરચંદ મેઘાણી




આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,


આજ રે સ્વપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો,


ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સ્વપનામાં રે

આજ રે સ્વપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો,

દહીં-દૂધના વાટકા રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો,

ઢીંગલાં1

 ને પોતિયાં રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો,

સોનાની થાળી2

 રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો પારસપીપળો દીઠો જો,

તુળસીનો ક્યારો રે સાહેલી મારા સ્વપનામાં રે.

આજ રે સ્વપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો,

ફૂલડિયાંની ફોર્યું3

 રે, સાહેલી, મારા સ્વપનામાં રે.

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો,

ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે.

ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો,

દહીં-દૂધના વાટકા4

 રેજેઠાણી મારાં જમતાં’તાં રે.

લવિંગ-લાકડી ઈ તો અમારો દેર જો,

ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે.


જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો,

સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે.5

પારસ પીપળો ઈ તો અમારો ગોર જો,

તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે.

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો,

ફૂલડિયાંની ફોર્યું,5

 સાહેલી, મારી ચૂંદડીમાં રે.


સંપાદન - ઝવેરચંદ મેઘાણી




ન જાવા દઉં ચાકરી રે

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે


કે ઝીણા ઝરમર વરસે મેઘ

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે!



ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,


કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે! – આભમાં ..




ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે,


કે ભીંજાય મેડીની બેસતલ રાણી

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે! – આભમાં ..



ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે

કે ભીંજાય બારીનો બેસતલ સૂબો

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે! – આભમાં ..




ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબકો રે


ભીંજાય પાતળિયો અસવાર

ગુલાબી! કેમ કરી જાશો ચાકરી રે! – આભમાં ..



તમને વા’લી દરબારી ચાકરી રે,


કે અમને વા’લો તમારો જીવ

ગુલાબી! નહીં જાવા દઉં ચાકરી રે! – આભમાં ..


સંપાદન - ઝવેરચંદ મેઘાણી



મોરલી રૂસણે. (રંગ મોરલી)


મોરલી ચાલી રંગ રૂસણે રે

કોણ મનાવા જાય, રંગ મોરલી

જાશે સસરો રાજિયા રે

વળો વવારુ ઘેર રંગ મોરલી

તમારા વળ્યા નહીં વળે રે

તમારા મોભીના અવળા બોલ રંગ મોરલી

હં હં ને હા હંુ તો મારા મૈયર જૈશ રંગ મોરલી.

મોરલી ચાલી રંગ રૂસણે

કોણ મનાવા જાય, રંગ મોરલી

જાશે તે જેઠજી રાજિયા રે

વળો વવારું ઘેર રંગ મોરલી

તમારા વળ્યા નહીં વળે રે

તમારા બેલીના અવળા બોલ રંગ મોરલી

હં હં ને હા હંુ તો મારા મૈયર જૈશ રંગ મોરલી.

[સાસુ, નણંદ, દિયર વગેરેને કહેવું, પછી—]

જાશે તે પરણ્યો રાજિયા રે

વળો, ગોરાંદે ઘેર રંગ મોરલી

હં હં ને હા હંુ તો મારા ઘરેજઈશ રંગ મોરલી.


સંપાદન - ઝવેરચંદ મેઘાણી

Post a Comment

0 Comments